મિત્રો , ગુજરાતમાં મોટર વેહિકલ એક્ટ 2019 નો અમલ તારીખ 16 સપ્ટેમ્બર 2019 ના રોજ લાગુ થઈ ગયો. દરેક વ્યક્તિઓ પોતપોતાની વાતો, પોતાનો પક્ષ રજૂ કરતા જોવા મળી રહ્યા છે. સોશ્યિલ મેડિયામાં ટ્રાફિક પોલીસ લાંચ લેતા હોય, કોમેડી થતી હોય તેવા જુના નવા દરેક વિડિઓ ફરતા થઈ ગયા છે.
કોઈક આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે તો કોઈક સમર્થન પણ આપી રહ્યા છે. જેવો સમર્થન નથી આપી રહ્યા તેવો અનેક પ્રશ્નો નો પહાડ દર્શાવતા નજરે પડે છે જેમકે રસ્તા સારા નથી તો તેના માટે કોણ દંડ ભરશે? કેટલો ભરશે? વગેરે વગેરે.. ઘણા તો એવું કહે છે કે દંડ એટલો બધો છે કે તેની સામે ગાડીની વેલ્યુ ઓછી છે તો દંડ ભરવો કે ગાડી જમા કરાવી દેવી?
લોકો પોતાનો મત અનેક રીતે રજૂ કરે પણ મારો મત હું મારા બ્લોગ પર રજુ કરવા જઈ રહ્યો છું.
મિત્રો, હું તો સ્પષ્ટ પણે માનું છું કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે. કોઈ પણ બદલાવ સમાજ તરત અપનાવતો નથી. જ્યાં સુધી પાણી માથા ઉપર થી ન જાય ત્યાં સુધી માણસ તૈયારીઓમાં નથી લાગતો. આજે જ દવાખાને દવા લેવા ગયો ત્યારે લોકોને મેં P.U.C. માટે લાંબી લાયનમાં ઉભેલા જોયા અને આ પોસ્ટ લખવા માટે પ્રેરણા મળી. P.U.C. ન હોઈ તો દંડ તો પહેલા પણ હતો પણ લોકો રાખતા ન હતા. પણ હવે લોકો P.U.C માટે લાઇન માં ઉભા રહેવા પણ તૈયાર છે કારણકે દંડ વધી ગયો છે. આવી જ સ્થિતિ દરેક જગ્યાએ છે ડ્રાઇવિંગ લાઇસન્સ હોઈ, નંબર પ્લેટસ હોઈ કે વીમો.. કહેવાનો મતલબ એટલો જ છે કે આપણા સમાજને નિયમોનું પાલન કરવાની આદતજ નથી. અને આ આદત કેળવવાનો “દંડ વધારો” એક જ રસ્તો હોઈ તેવું પ્રતીત થાય છે.
આમ તો લોકો ને વિદેશ બહુ ગમે પરંતુ વિદેશમાં રહેતા લોકો ની જેવા નિયમો આપણે નથી પાળવા. ત્યાં આપણને સૌને ગમે કારણકે ત્યાં દરેક લોકો નિયમ થી રહે છે. જેટલા નિયમો કડક તેટલા વધુ શિસ્ત જો એક ઘરમાં રહેતું હોય તો આ તો આખો દેશ ચાલવાની વાત છે.
બીજુ, લોકો બધા નિયમો પાલવા તૈયાર છે – પણ લોકોની જાગૃતતા માં પણ ઘણો બદલાવ નોંધાઈ રહ્યો છે. લોકો સરકાર પાસે સારી સુવિધાઓની અપેક્ષા રાખી રહ્યા છે સાથે જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે ત્યાં એક જાગૃત નાગરિક તરીકે ફરિયાદો પણ કરશે તેવું આજના વાતાવરણ જોતા જણાય રહ્યું છે.