મનુષ્યની સાચી શક્તિ પોતાનામાં રહેલી ઉર્જા શક્તિ છે, એક વાર જો માનવી કંઈ નક્કી કરીલે કે મારે જીવનમાં કંઈક કરવું છે અને તેની પાછળ જો તે ઉર્જાને 100% લગાડવામાં આવે તો તે 100% કામ થઈ ને જ રહે છે.
ઉર્જા વગરનો માનવી પોતાના જીવનમાં કંઈજ કરી શકતો નથી અને અન્ય કોઈ આવી તેમનું જીવન બદલશે તેવી રાહ માં પોતાનું જીવન વિતાવી દે છે. આવા પ્રકારના માણસો ન તો એ ઉર્જા ના સ્રોતને શોધે છે અને ન તો તેને ઉર્જા સાથે કાંઈ લેવા દેવા છે. એક અજાણ વ્યક્તિની માફક ભટક્યા કરતા હોય તેવું લાગે છે. તેવો માને છે જીવન ચાલે છે, એની મેળે થશે નશીબ માં હોઈ તેજ મળશે.
આવા પ્રકારના માણસો જ્યારે કોઈ સફળ વ્યક્તિઓને જુવે છે ત્યારે તેને નશીબ દારનું બિરુદ આપી વધાવે છે પરંતુ તે જેતે વ્યક્તિઓની સફળતા પાછળની મહેનત નથી જોતા. મને તો એવું લાગે છે આવી વાતો કરી પોતે એમ સમજે છે કે સફળ વ્યક્તિ સફળ એટલે છે કેમકે તેને બાહ્ય સહાયક – નશીબ મળ્યું છે તેના વગર એ સફળ ન થઇ શકે. હકીકત માં જેતે વ્યક્તિની સફળતા પાછળ તેનો પરિશ્રમ હોઈ છે. અને જેતે પરિશ્રમ પાછળ તેની ઉર્જા શક્તિઓ કાર્યરત હોઈ છે.
ઉર્જા શક્તિ એટલે એ શક્તિ જે આપણને આપણા લક્ષ્યની યાદ અપાવ્યા કરે અને તે જ્યાં સુધી હાંસિલ ન થાય ત્યાં સુધી અપૂર્ણતાનો અહેસાસ કરાવે. આટલું જ નહીં પરંતુ સાથે સાથે પોતાના જીવનમાં નિર્ધારિત કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રેરણા આપતું રહે. આ પ્રેરણા જ્યારે કાર્ય શક્તિમાં પરિવર્તિત થાય ત્યારે જેતે વ્યક્તિ પરિશ્રમ દ્વારા લક્ષ પ્રાપ્ત કરે છે.
આપણા રોજિંદા જીવનમાં આપણને ઉર્જાના સ્થાન ઘણા મળી રહે છે. દરેક વ્યક્તિઓના ઉર્જા સ્થાન તેની રુચિ, તેના પર થયેલ સંસ્કાર અને તેમના આવેલા જીવનના અનુભવોના આધારે અલગ હોય શકે.
મારા જીવનમાં હું દ્રઢ પણે માનું છું કે દરેક વ્યક્તિઓ એ પોતાની ઉર્જા શક્તિનો સ્ત્રોત શોધી આગળ વધવા પ્રયત્ન શીલ રહેવું જોઈએ. જ્યાં પણ જણાય કે કોઈ સ્થાન, વ્યક્તિ કે ઘટના દ્વારા આપણી એ ઉર્જા શક્તિ વિકસિત થઈ રહી છે તેનો સંગ કરતા રહેવું અને જે સ્થળ, વ્યક્તિઓ કે ઘટના દ્વારા આપણી ઉર્જાનું દમન થતું હોય ત્યાં થી દુર રહેવું.