જીવનના રસ્તામાં ઘણીવાર આપણી ગાડી પાટા પર થી ઉતરી જાય છે કારણકે આપણે ખૂબ જ ચિંતા કરતા હોઈએ છીએ કે આપણા વિશે લોકો શુ વિચારતા હશે? અને તેવો આપણી શુ વાતો કરતા હશે?
સાચી વાત તો એ છે કે લોકોનું કામ જ વાતો કરવાનું છે, વાત કરવા માટે લોકોને વિષયની જરૂર હોય છે ખરેખર તે લોકોને આપણાં રસ્તા કે આપણી ગાડી સાથે કોઈ નિસબત હોતી નથી. તેવોના પ્રતિભાવની કે વિચારધારાની ચિંતામાં પોતાની યાત્રા અટકાવો નહિ. લોકો માત્ર અનુમાન લગાવી શકે છે પણ તેવો ક્યારેય આપણા આગામી નિર્ણય વિશે અંદાજો નહિ લગાવી શકે કે જે આપણને સફળતાના રસ્તા તરફ લઈ જાય છે.
આ દુનિયામાં ઘણા લોકો એવા છે કે જે અનેક નિષ્ફળતા બાદ પણ સફળ થઈને લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આપણે પણ તે શક્તિશાળી અને આશાવાદી વ્યક્તિ બનવાનું છે કે જે ગમ્મે તેટલી નિષ્ફળતા કેમ ન મળે… પણ પોતાનું ધારેલું અંતિમ પરિણામ ન મળે ત્યાં સુધી કોશિશ કરતા જ રહેશે.
ભૂલો એના થી જ થશે જે કાર્ય કરે છે, દર્શક માત્ર જોવાનું કાર્ય કરે છે. દર્શકને માત્ર મનોરંજન સાથે જ મતલબ છે. દર્શકના પોતાના અભિપ્રાયો હોઈ શકે પરંતુ વાસ્તવિક શીખ તો જે કાર્ય કરે છે તેને જ ખબર હોય. જે ભૂલ થઈ તેમાં સુધારો પણ ભૂલ કરનારને જ ખબર હોય. આથી જેતે વસ્તુમાં સુધારો કરી પોતાના લક્ષ તરફ આગળ વધવું જોઈએ.
આલ્બર્ટ આઈન્સ્ટાઈને સ્પષ્ટ કહ્યું હતું કે જેણે ક્યારેય ભૂલ કરી નથી તેણે ક્યારેય કશું નવું કરવાનો પ્રયાસ કર્યો નથી.
આ દુનિયા એવાં લોકો દ્વારા જ બનેલી છે કે જેવો અન્ય લોકોની મજાક અને હાંસીને અવગણી પોતાની સમક્ષ રહેલી સંભાવનાઓ ઉપર કાર્ય કરે.
પોતે સ્વપ્ન તો જુવો પણ સ્વપ્નને સાકાર કરવા તે મુજબની રણનીતિ પણ બનાવો. આ રણનીતિમાં અન્ય લોકોના અભિપ્રાયો સાથે કઈ રીતે લડવું તે પણ નક્કી કરી રાખો.