1,2 અને 3. અમારા કાઠિયાવાડમાં જ્યારે કોઈ વસ્તુ કરવાની નક્કી કરી નાખીએ ત્યારે સામે વાળો વ્યક્તિ જેતે વસ્તુની પુષ્ટિ કરવા માટે એક વાર , બે વાર અને ત્રણ વાર એમ પૂછે અને ત્રણ વાર માં જો જવાબ ન બદલે તો તેને પાક્કા મનોબળ અને દ્રઢ સંકલ્પ વાળો વ્યક્તિ સમજવામાં આવે છે.
અહીં આ અખ્ખા પ્રયોગમાં મને તો કોઈ એક , બે અને ત્રણ પૂછવા વાળું નથી. હું પોતેજ મારુ મૂલ્યાંકન કરવાનો છું આથી મેં જ મારી જાતને એ પૂછી લીધું. કેમ કે આજે મારા આ પ્રયોગ નો ત્રીજો દિવસ છે.
આજ સવાર થી જ શરીરમાં સ્નાન અને ધ્યાન બાદ સપૂર્તિ અનુભવ થયો.
ગઈ કાલે રોજની જેમ સાંજે વહેલા સુવાની આદત સવારે જાગવામાં મદદરૂપ થઇ રહી છે. ભૂતકાળના અનુભવના આધારે જો રાત્રે મોડા સુઇએ તો સવારે એલાર્મ સમયે ઊંઘ વધુ હોય તો એલાર્મ બંધ કરી સુઈ જવાનું મન થાય. આથી જો તેવું ન થવા દેવું હોઈ તો સાંજે જેમ બને તેમ જલ્દી સુવાનું રાખવુ જોઈએ.
આપણું માનસિક સ્વાસ્થ્ય અને આપના દ્રઢ સંકલ્પજ આપણને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે. શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય એક બીજાની સાથે ચાલતી પ્રક્રિયા વર્તાઈ રહી છે. જેનું શારીરિક સ્વસ્થ સારું તેનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું હોય તેવો અનુભવ આવી રહ્યો છે.
ધ્યાન પછી રોજની જેમ કસરત કરી, અને આજે ચાલવા માટે બહાર રસ્તા પર જવાની ઈચ્છા હતી તો હું નીકળી ગયો, પ્લાન એમ હતો કે સવારે ધાબા પર જગ્યા નાની હોઈ ચાલવામાં અવરોધ વધુ આવે. પછી સૂર્ય દર્શન માટે ચાલી ને ટેરેસ પર જઈને એ સૂર્ય દર્શનના નજારાનો આનંદ લઈશ. રસ્તા પર ચાલતા અનેક લોકો નજરે પડ્યા સાથે સવાર સવારમાં અનેક લોકો પોતાનો ધંધો પણ કરવા લાગ્યા હતા. એક ચા ની દુકાને ચા બની રહી હતી અને દુકાનની બહાર રસ્તા પર ઢોળાયેલી ચા જોઈ. આ જોઈ મને યાદ આવ્યું કે ચા વેચવા વાળા પોતાની પહેલી ચા ધરતી માતાને અર્પિત કરે છે. રસ્તા પર ચાલતા ચાલતા સવાર ની પૂજા કરતા લોકોની ટંકોરીઓનો, શંખનો અવાજ પણ સંભળાતો હતો.
આ બધું જોતા લાગ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાના દિવસ ની શરૂઆત ધર્મ થી કરે છે. આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ સામે બધું ટૂંકું હોઈ તેવું જાણવા મળ્યું. એક આધ્યાત્મિક બહાને પણ લોકો પોતાના વ્યવસાયમાં કોઈ એક જ્ઞાત શક્તિનો સાથ લઈને ચાલતા હોઈ છે કે જે તેને પોતાનુ લક્ષ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય.
બીજું એ પણ મનોમંથન કર્યું કે ઘણા લોકો આટલી વહેલી સવારે પોતાના ધંધે લાગી જાય છે. પોતાની નોકરી કરવા ધંધો કરવા. પરંતુ મારુ પોતાનું વિચારવું છે કે પોતાના સ્વસ્થ માટે, પોતાના મતલબ માટે માનવી પાસે સમય નથી હોતો. જે લોકો પાસે સમય છે તેવો સવારે મોડે સુધી સુતા રહે છે. અને પોતાના જીવનના એ અમૂલ્ય ખાનગી ક્ષણોનો આનંદ ચુકી જાય છે. જો વ્યક્તિ પોતાના પરિવાર માટે ધંધા કે નોકરીને અનુલક્ષને વહેલા જાગતો હોઈ તો પોતાના સ્વાસ્થ્ય માટે વહેલા જાગવું જ જોઈએ તેવું જણાયું.
આજે થોડું ચાલવાનું પણ વધી ગયું અને ધોળકિયા ગાર્ડન પાસે વહેલી સવારે નીરો પીધો અને સાથે ઘર માટે પાર્સલ પણ લાવ્યો.
આ બધાની સાથે અત્યારે હું મારા પ્લાન પ્રમાણે ધાબા પાર આવી ગયો છું, આ બ્લોગ લખી રહ્યો છું અને સૂર્ય દર્શનની પ્રતીક્ષા કરી રહ્યો છું.
આજના સૂર્ય દર્શન છેલ્લા બે દિવસ ના દર્શન કરતા વિશેષ હતા એવું લાગ્યું. સૂર્યના આગમન સમયે સૂર્યનો સંપૂર્ણ વ્યાસ નજર આવી રહ્યો હતો આંખ ને ઠંડક અનુભવાઈ રહી હતી. સૂર્ય પ્રકાશ ના આગમન સાથે પક્ષીઓના કલરવ અને હલચલ પણ વધી ગઈ હતી. સૂર્ય જેમ જેમ ઉપર આવતો ગયો તેમ તેમ તેનું તેજ વધતું ગયું હતું અને તેનો વ્યાસ પૂર્ણ દેખાતો પણ ન હતો. જાણે એવું લાગ્યું માત્ર 2 થી 5 મિનિટ માટે જ સૂર્યના એ સ્વરૂપના દર્શન શક્ય છે કે જે નરી આંખે કોઈ પણ પ્રકારની આંખને તકલીફ આપ્યા વગર કરી શકીએ.
છેલ્લા બે દિવસ કરતા આજનો દિવસ ચેતના પૂર્ણ લાગ્યો, આ દિવસ જરૂર થી મને આવતી કાલની તૈયારી કરવામાં મદદરૂપ થશે. પ્રકૃતિના આ આનંદનો સાચા શબ્દોના ઉલ્લેખ કરવો અશક્ય લાગી રહ્યો છે. આજ માટે આટલું જ કાલે ફરી બ્લોગ પોસ્ટ લખીશ.