માણસની પ્રકૃતિ તેના જીવનમાં આવેલા અનુભવોને આધારે ઘડાતી હોઈ છે. માણસનો સ્વભાવ મહત્તમ રીતે એ વાત પર નિર્ભર હોઈ છે કે જેતે વ્યક્તિ કઈ કઈ પરિસ્થિતિ, કેવા સંજોગો અને કેવા વાતાવરણ માંથી આવ્યો છે. જયારે કોઈ વ્યકતી સાથે કોઈ ખરાબ વસ્તુ ઘટિત થાય તો તે વ્યક્તિ જેતે જવાબદાર વ્યક્તિને દોષી તો સમજે છે સાથે સાથે તેના જીવનમાં એજ અનુભવ તેના સ્વભાવ ઘડતર માં પણ ખુબ ઊંડી અસર કરે છે જેના પરિણામ સ્વરૂપ તે વિશ્વમાં તમામ લોકો ને જેતે કેટેગરીમાં મૂકે છે.
બે વાત છે , એક પોતાને ભૂતકાળમાં અનુભવો થી શીખ લઇ સારા નરસા નો ભેદ કરી માણસોને ઓળખવા અને બીજું સમગ્ર દુનિયા ને એક જેવી સમજી એક સ્વભાવનું નિર્માણ કરવું. જાણતા અજાણતા વ્યક્તિ આ બે રસ્તાઓ માંથી કોઈ એક રસ્તો પસંદ કરી લેતો હોઈ છે.
મેં ઘણા લોકો જોયા છે જે દરેક વાતમાં વિરોધ લક્ષી સ્વભાવ જ ધરાવતા હોઈ છે. જે કોઈ વ્યક્તિ કાર્ય કરી રહ્યા છે તેમનો વિરોધ જ તેના જીવનનો હેતુ હોઈ છે. દા.ત. કોઈ સમાજ, સંપ્રદાય, સંગઠન કે રાજકારણમાં જે કોઈ આગેવાનો છે તેવો પ્રત્યે વિરોધની લાગણી રાખવી અને સમગ્ર સંચાલન ને બદલાવવાની વાતો કરવી. આ પ્રકારના વ્યક્તિઓ પોતે તો કઈ ન કરે પણ વિરોધ તો જરૂર કરશે જ, તેને વર્તમાન સત્તા સાથે જ વાંધો હોઈ છે અને જયારે મોકો મળે પ્રવર્તમાન સત્તા વિરુદ્ધના કાર્ય માં પહેલા અગ્રસર હોઈ છે.
પ્રવર્તમાન સત્તા ની જે કોઈ ખરાબ બાબતો હોઈ તેનો વિરોધ હોઈ તે સ્વાભાવિક છે જ પરંતુ વિરોધ લક્ષી અભિગમ ધરાવનાર સારી વસ્તુઓમાં પણ દોષ જોતા હોઈ છે. આવું કરવા પાછળ પોતાનો અંગત સ્વાર્થ હોઈ, કે પોતાનો સ્વભાવ જ એવો નિર્માણ થઇ ગયો હોઈ છે કે જે તે વ્યક્તિ ને વિરોધ કરવા માટે પ્રેરિત કરતો હોઈ છે.
મારા દ્રષ્ટિકોણ મુજબ આવા વ્યક્તિઓને નજર અંદાજ કરી ને પ્રવર્તમાન માં જે લોકો કાર્ય કરી રહ્યા છે તેવો આગેવાનોએ સકારાત્મક હેતુ સાથે કાર્ય કરવું જોઈએ, આ પ્રકારના લોકોના વિરોધ જયારે જયારે થાય ત્યારે આપણે આપનો સકારાત્મક હેતુ યાદ કરી જેતે લોકો ને અવગણવા જોઈએ.